માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ

ભારતના પશ્ચિમ કિનારાના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલા વલસાડ જિલ્લાની પૂર્વમાં છે સહ્યાદ્રીની ઘેઘૂર પર્વતમાળા અને પશ્ચિમે છે ઘૂઘવતો અરબી સમુદ્ર. આ જિલ્લાની ફળદ્રુપ જમીન પર વિવિધ આંબા, વડ, સાગ અને ખૈરનાં અગણિત વૃક્ષોની તથા વિવિધ ફૂલોના છોડોની લીલીછમ ચાદર પથરાયેલી છે. વલસાડની દક્ષિણે બારે માસ વહેતી પાર નામની નદીના કિનારે અનેક સુંદર ગામ વસેલાં છે. ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંના એક એવા પરશુરામની કર્મભૂમિ એવો આ વિસ્તાર પ્રકૃતિના અનુપમ સૌન્દર્યથી સદાય લચેલો રહે છે. આવા હેયું ઠારતા વાતાવરણ વચ્ચેના નાનકડા રાબડા ગામમાં માઁ વિશ્વંભરીનું અનુપમ અને અલૌકિક ધામ વિલસી-વિકસી રહ્યું છે. માત્ર ૯૦ દિવસમાં જ નિર્માણ પામેલું વિશ્વકક્ષાનું આ અદ્ભુત ધામ નજિકના ભવિષ્યમાં જ જગતમાં પ્રસરનારી પ્રેરક વૈચારિક-આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર બની રહેવાનું છે. આ ધામ જગતના જ્ઞાન-ભક્તિ-કર્મનો સોનેરી ઉજાસ પાથરે છે અને ભવસાગર તરવા આતુર મરજીવા માટે દીવાદાંડીની ગરજ સારે છે.

માઁએ એક વૈશ્વિક ધામના નિર્માણનો મહાપાત્રને આદેશ આપી એ માટે ૯૦ દિવસની મુદત પણ નક્કી કરી આપી. માઁની આજ્ઞા અનુસાર શ્રી મહાપાત્રે પોતાનાં તન, મન, ધનથી ધામનું નિર્માણ શરુ કર્યું. માઁએ કહ્યા મુજબનું સ્વર્ગસમુ સુંદર-શાંતિદાયક ધામ માત્ર ૯૦ દિવસમાં તૈયાર કરી શ્રી મહાપાત્રે પોતાની યોગ્યતા સિધ્ધ કરી બતાવી. ફક્ત બોલ બોલ કરનારા નહિ, પરંતુ કરીને બતાવે એ મહાન છે એ સિધ્ધ થયું.

આ ધામમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી માઁની અલૌકિક પાઠશાળા (મંદિર), હિમાલય (શિવ દર્શન), ગોવર્ધન પર્વત (ગોકુલધામ), નંદબાબાની કુટીર,ગીર ગાયોની ગૌશાળા (વૈકુંઠ ધામ) શ્રી રામ કુટિર (પંચવટી) તથા નયનરમ્ય પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે બાગમાં સિંહ, ગજરાજ, જિરાફ, હરણ, વાનર સહિતનાં પ્રાણીઓ તથા મોર, પોપટ, કબુતર, ચકલી વિગેરે પંખીઓની આબેહૂબ જીવંત પ્રતિમાઓ આપણા દિલ હરી લે છે. વિશાળ ઘટાદાર વૃક્ષો, છોડવા, વિવિધ ધામોનું સ્થાપત્ય-સૌંદર્ય, એ સૌની પુષ્કળ અવકાશ પૂરો પાડતી વહેંચણી, ધર્મસ્થાનોમાં ભાગ્યે જ જોવા મળે એવી અણીશુધ્ધ સ્વચ્છતા, પાર નદીની શીતળતા લઈને વહેતો મીઠો પવન અને આ સૌની ઉપર ધામમાં પ્રવેશતાં જ પ્રત્યેક માનવીના હદયના ઊંડાણમાં થતી વિશિષ્ટ અનુભૂતિ-માઁ વિશ્વંભરીના આ ધામને અદકેરું બનાવે છે, માઁના ખોળે બેઠા હોવાની નિરાંતનો અનુભવ કરાવે છે. આ ધામને જેટલું જોઈએ એટલું વધુ જોવાની ઈચ્છા જાગે છે અને જેટલો દિવ્ય અનુભવ પામીએ એટલો વધુ પામવાની તમન્ના જાગે છે.

END ☺