કર્મયોગી યાતિ પરાગતિમ્ – શ્રી વિઠ્ઠલભાઈ : સંઘર્ષથી પરમપદ સુધીની અલૌકિક યાત્રા

આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન અનાદિ કાળથી એક અદભૂત કુશળતાપૂર્વક ચાલી રહ્યું છે. એ વાત તો સ્પષ્ટ છે કે આ અનંત બ્રહ્માંડમાં કોઈ પરમતત્વ એવા કાર્યરત છે કે જેના નિયમોથી જ સમગ્ર સૃષ્ટિ વ્યવસ્થિત, સુસંકલિત છે. તો એ પરમતત્વ કોણ છે ? આ અખિલ બ્રહ્માંડના સર્જનહાર અને સંચાલનકર્તા કોણ છે ? તમામ દેવી-દેવતાઓ કે ભગવાનમાં સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી એવી પરમશક્તિ કોણ છે ?

જ્યારે જગતના તમામ ગ્રંથો, તત્ત્વજ્ઞાની, ચિંતકો અને સાધકો આવા અલૌકિક પ્રશ્નોના ચોક્કસ અને પ્રામાણિક જવાબ આપવા અસમર્થ સાબિત થયા છે, જ્યારે આખું જગત કલ્પના અને તર્ક-વિતર્કના ગહન જાળમાં અટવાઈ જાય છે, ત્યારે ભારતભૂમિના એક વિરલ ધરતીપુત્ર–શ્રી વિઠ્ઠલભાઈના અંતરાત્મામાં આ પરમસત્યને જાણવા માટેની તીવ્ર જીજ્ઞાસા પ્રગટ થાય છે. આ પ્રબળ જીજ્ઞાસા તેમને માત્ર આ જન્મથી નહી પણ છેલ્લા સાત-સાત જન્મોથી હતી. પરમતત્વના સાક્ષાત દર્શન કરવાનું એ જ તેમના જીવનનું પરમ લક્ષ્ય બની જાય છે.

પરમતત્વને પ્રાપ્ત કરવા તેમણે જીવનની દરેક ક્ષણ, દરેક શ્વાસ, દરેક વિચારને સમર્પિત કરી દીધાં. પરંતુ આ પવિત્ર માર્ગ કંટકમય હતો. એ માર્ગ પર ડગલે ને પગલે વિકટ પરિસ્થિતિઓ, અસહ્ય કસોટીઓ અને અસાધારણ સંઘર્ષો હતા.

યુગો વીતી ગયા, અસંખ્ય યોગીઓ, તપસ્વીઓ, સાધકો પરમતત્વની શોધમાં જીવન સમર્પિત કરી, તપશ્ચર્યામાં લીન થઈ ગયા; છતાં પણ આ પરમતત્વ સુધીની સફર, હજારો વર્ષોથી અધૂરી, અલક્ષ્ય અને અસંભવ રહી. પરંતુ એ અસંભવને સંભવ બનાવીને સાબિત કરી બતાવ્યું એક વિરલ અને અસાધારણ ધરતીપુત્ર – શ્રી વિઠ્ઠલભાઈએ.

દ્રઢ સંકલ્પ, વૈદિક સદગુણોનું શુદ્ધ આચરણ અને પરમશક્તિમાં અડગ વિશ્વાસ સાથે તેઓ આ અલૌકિક યાત્રા પર નીકળ્યા. તેમની આ યાત્રા દરમિયાન કઠિનમાં કઠિન કસોટીઓ, દુષ્કર અને વિકટ પરિસ્થિતિઓ તેમનો માર્ગ રોકવા ઉપસ્થિત થઈ, પરંતુ તેઓ ક્યારેય ડગમગ્યા નહીં. તેમણે પ્રકૃતિના શાશ્વત નિયમોનું પાલન, સત્કર્મનું પ્રચંડ બળ અને વૈદિક સદગુણોના શુદ્ધ આચરણથી દરેક કસોટીમાંથી સફળતા પૂર્વક પસાર થયા.

શ્રી વિઠ્ઠલભાઈની આ અલૌકિક યાત્રાની યોગ્યતા પર પરમતત્વે પોતે જ મહોર મૂકી, અને એ રીતે તા. ૧૩-૦૯-૧૯૯૯ના પાવન દિવસે એક વિરલ, અનોખો અને અદ્વિતીય આધ્યાત્મિક ઇતિહાસ સર્જાયો. પરમતત્વ સ્વયં પંચકર્મી દિવ્ય રથમાં બિરાજમાન થઈને શ્રી વિઠ્ઠલભાઈને સાક્ષાત દર્શન આપવા પૃથ્વીલોક પર પધારે છે. માત્ર દર્શન જ નહીં, પરંતુ ૪૫ મિનિટ સુધી તેમનાં સાથે અલૌકિક અને દિવ્ય સંવાદ પણ કરે છે, તેમજ આ વિશિષ્ટ અવસરે માતા તેમને 'શ્રી મહાપાત્ર' તરીકેનું ઉચ્ચતમ બિરુદ પ્રદાન કરે છે.

આ દિવ્ય સંવાદ દરમ્યાન માતા તેમને અખિલ બ્રહ્માંડની અનંત રચના- સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો,પૃથ્વીની ઉત્પત્તિ અને તેની અનોખી ટેકનોલોજી, જીવસૃષ્ટિની ઉત્પત્તિ તથા સમગ્ર સૃષ્ટિના પાલન-પોષણ-સંહાર અને સંચાલન જેવા ગુઢ રહસ્યો પ્રત્યક્ષરૂપે દેખાડે છે. આ સિવાય માતા તેમને માનવકલ્યાણ અર્થે દિવ્ય સંદેશ, ક્રાંતિકારી વિચારધારા, ઓરીજીનલ ભક્તિ, મોક્ષપ્રાપ્તિનો સચોટ માર્ગ, સત્ય-અસત્યનો ભેદ અને વિશ્વકલ્યાણની યુક્તિ બતાવે છે. એટલું જ નહીં, માતા તેમને લૌકિક તથા પારલૌકિક એવા અસંખ્ય પ્રશ્નોના સ્પષ્ટ અને પ્રત્યક્ષ જવાબો પણ આપે છે.

શ્રી મહાપાત્રે વિશ્વંભરી માતા પાસેથી પ્રાપ્ત થયેલા આ દિવ્ય જ્ઞાન અને અનુભવોને માત્ર પોતાના પૂરતા સીમિત રાખ્યા નથી, પરંતુ તેને નિસ્વાર્થ ભાવે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સમર્પિત કર્યા છે. આ જ તેમની વિરલ ઉદારતા અને અસાધારણ મહાનતા કહેવાય.

પરમતત્વ અને પરમપદને પામ્યા છતાપણ શ્રી મહાપાત્રના જીવનમાં ક્યારેય અહંકાર કે બાહ્ય આડંબર લેશમાત્ર પણ જોવા મળતો નથી. તેઓ સદાય નાનામાં નાના થઈને, સાદગીપૂર્ણ અને સાત્વિક જીવન જીવે છે. આજેપણ તેઓ પોતાનું કર્તવ્યકર્મ સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવતા, કર્મભક્તિ કરતાં અને નિસ્વાર્થભાવે પોતાનો અલૌકિક અનુભવ સમગ્ર જગતને વહેંચી, કર્મયોગનું મહાન અને દિવ્ય કાર્ય કરતા જોવા મળે છે.

તેઓ દરેક કાર્ય માત્ર વચનોમાં નહિ, પરંતુ પોતાના આચરણ અને વ્યવહારથી સાકાર કરીને બતાવે છે. તેમનું સમગ્ર જીવન જ એક જીવંત પ્રયોગશાળા છે, જેમાંથી કોઈપણ મનુષ્ય પ્રેરણા લઈ પોતાના સર્વાંગી વિકાસ સાથે જ જીવાત્માના ઉદ્ધારનો માર્ગ સુગમ બનાવી શકે છે.

END ☺